eco tourism campsite devghat Waterfall Umarpada Surat district in State of Gujarat.

દેવઘાટ ઇકોટૂરીઝમ કેમ્પસાઇટ:


      ગુજરાત રાજયમાં આવેલ સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલની બોર્ડર પર આવેલ આ સ્થળને સુરત જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઇકો ટૂરીઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવેલ છે. જે સુરતથી આશરે ૧૨૫ કી.મીનાં અંતરે આવેલ છે. તથા ઉમરપાડા થી ૧૫ કિ.મી.નાં અંતરે આવેલ છે. આ સ્થળ આદિવાસીઓનાં ધાર્મિકસ્થળ તથા પર્યટકો માટે ઇકો ટૂરીઝમ તરીકે વિકસાવવામાં આવેલ છે. આ સ્થળે પ્રકૃતીની સુંદરતામાં આવેલ બે ધોધ પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેંદ્ર છે.

દેવઘાટનાં જંગલનો રસ્તો:


સુરત થી દેવઘાટ લોકેશન:


સુરત થી દેવઘાટ અંતર:- ગુગલ મેપ પ્રમાણે-૧૧૬/૧૦૧/૧૧૨ ખરેખર આશરે-૧૨૫

        દેવઘાટ વિવિધ રીતે મહત્વ ધરાવે છે. જેને આપણે નીચે મુજબ કેટલીક વિશેષતાઓને આધારે સમજીએ.

·       દેવઘાટઆદિવાસીઓ માટે ધાર્મિક સ્થળ:-



   દેવઘાટ- રાજા પાંથા અને હીના ઠાકુર (હીના દેવ)નું મંદિર 



           આ સ્થળે આદિવાસીઓ જેમની પુરી શ્રધ્ધા અને આસ્થાથી પુજા કરે છે એવા રાજા પાંઠા અને હીના દેવનું મંદિર આવેલ છે. જ્યાં આદિવાસીઓ પોતાની વિવિધ આસ્થાઓ સાથે દર્શનાર્થે આવે છે. અને તેમની માન્યતાઓ મુજબ આ મંદિરમાં કરેલ દરેક પ્રાર્થના ફળે છે  અને  દરેક મનોકામના પુરી થાય છે.

દેવઘાટ- રાબડી(ખોરાક) નિકળતી હોવાની માન્યતાવાળૂ સ્થળ:

અહીંના સ્થાનિકોની માન્યતાઓ એવી છે કેઅહીં આવેલ એક સ્થળે પહેલાનાં સમયમાં રાબડી (ખોરાક) નીકળતો હતો. જે સમયાંતરે બંધ થઇ ગયો. જે સ્થળની આજે પણ પુજા કરવામાં આવે છે. તથા  દેવઘાટ આવતા આદિવાસી લોકો બનાવેલ ખોરાક સૌપ્રથમ અહીં અર્પણ કરે છે. પછી પોતે ખોરાક ગ્રહણ કરે છે.

·     દેવઘાટધોધની સુંદરતા:-

દેવઘાટ તરીકે ઓળખાતા અને જગંલની વચોવચ આવેલ આ સ્થળે બે ધોધ આવેલ છે.
(૧) કિંગધાટ
(૨) દેવઘાટ
અહિંનાં આ બન્ને ધોધની રમણીયતા અતુલ્ય છે. ચોમાસાની ઋતુ દરમ્યાન અહીં જાણે પ્રકૃતિએ પોતાનું સોંદર્ય રેલાવ્યુ હોય એવી સુંદરતા જોવા મળે છે.

કિંગધાટ ઘોઘ-

       જંગલમાંથી આવતા નદીનાં પાણી વડે બનતા આ ઘાટનો ધોધ ભુલી શકાય તેમ નથી.તથા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છેઅહીંના ઘાટની ઉપરવાસમાં વહેતા નદીનાં પાણીમાં તથા ધોધથી રચાતા પાણીનાં ધેરાવામાં પ્રવાસીઓ ન્હાવા (સ્નાન)ની મજા માણે છે. 
      પ્રકૃતીની નયનરમ્ય સોંદર્યથી આકર્ષિત થઇ લોકો દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પ સાઇટમાં પ્રીવેડીંગ ફોટૉગ્રાફી માટે પણ આવતા હોય છે. કિંગધાટમાં એક પ્રકારની નાની માછલી મળી આવે છે જેને સ્થાનિક લોકો કિંગ માછલી તરીકે ઓળખે છેજે માછલી ધોધના પાણીનો પ્રવાહ ઓછો થાય છે ત્યારે ખાસ જોવા મળે છે.

દેવઘાટ ઘોઘ-
કિંગધાટ ધોધનું પાણી નદી સ્વરૂપે નીચેની તરફ વહી દેવઘાટ નામક મોટા અને ઉંડા ધોધ સ્વરૂપે નીચે પડે છે. જેના ઉપરવાસમાં આવેલ ચેકડેમનાં પાણીમાં પ્રવાસીઓ ન્હાવાની મજા માણે છે    
દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પસાઇટ તરીકે:-


           સરકારશ્રીના પર્યટન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ સ્થળને ઇકોટૂરીઝમ તરીકે વિકસાવવામાં આવેલ છે. દેવધાટ સુરત વનવિસ્તારનાં વડપાડા રેંજમાં આવેલ છે. અહિં ફોરેસ્ટ વિભાગ દ્વારા સહેલાણીઓના રાત્રી મુકામ માટે ઓરડા/નિવાસ સ્થાનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા અહિં ફોરેસ્ટ નિવાસસ્થાન પણ આવેલ છે.

          પ્રવાસીઓ માટે દેવધાટ આકર્ષણનું સ્થાન બની રહે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે. જેમકે,

બુકિંગ/રજીસ્ટ્રેશન રૂમ

             દેવધાટ ઇકોટૂરીઝમ કેમ્પ સાઇટના નિવાસ સ્થાને રોકાણ કરવા માંગતા હોય એવા પ્રવાસીઓ માટે ઓરડાઓ બુકીગ/રજીસ્ટ્રેશન  કરવા આવશ્યક છે. ઓરડાઓ કે ટ્રી-હાઉસમાં રોકાણ કરવું હોય તો બુકીગ/રજીસ્ટ્રેશન કર્યેથી ઓરડાઓ ફાળવવામાં આવે છે. બુકીગ/રજીસ્ટ્રેશન માટે ફોરેસ્ટ વિભાગની વડપાડા/ઉમરપાડા રેંજ કચેરીમાં સંપર્ક કર્યેથી અથવા કેમ્પ સાઇટમાં બનાવેલ રજીસ્ટ્રેશન રૂમમાં પણ બુકિંગ કરી શકાય છે.
રહેઠાણ માટેના ઓરડાઓનો ચાર્જ/ફી;
  1. એક રૂમદિઠ ચાર્જ- ફક્ત દિવસ પુરતો રૂ.૫૦૦/-
  2. એક રૂમદિઠ ચાર્જ- દિવસ-રાત રૂ.૧૦૦૦/-
  3. ટ્રી-હાઉસ ચાર્જ/ફી- ફક્ત દિવસ પુરતો રૂ.૧૦૦૦/-
  4. ટ્રી-હાઉસ ચાર્જ/ફી- દિવસ-રાત  રૂ.૧૫૦૦/-
(નોંધ- રહેઠાણ માટેના ચાર્જમાં વધારો-ધટાડો થઇ શકે છે.) 


રહેઠાણ માટેના મકાનો


               દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પ સાઇટમાં પર્યટન માટે આવતા પર્યટકો રહેઠાણ કરવા માંગતા હોય તો તેમના માટે વિવિધ ઓરડાઓ બનાવવામાં આવ્યાં છે. જેમાં ફાનસની સુવિધા, પક્ષીના માળાઓ બનાવેલ છે. તથા ઓરડાનાં નામો વન્ય પક્ષીઓનાં નામ પરથી રાખવામાં આવેલ છે. તેમજ ઓરડાની દિવાલ પર વારલી કળાની કલાકૃતિઓ બનાવવામાં આવેલ છે. જે ખરેખર આકર્ષક છે.




ટ્રી-હાઉસ

              દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પ સાઇટમાં ટ્રી હાઉસ પણ નિવાસ માટે જ બનાવવામાં આવેલ છે. જેની બનાવટ ઝાડ ઉપર રહેલ ઘર હોય એવી અનુભુતી કરાવે છે.

રમત માટેના સાધનો

        દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પ સાઇટમાં પ્રવાસીઓ પોતાના કુટૂંબ સાથે પર્યટન માટે આવ્યા હોય અને તેમની સાથે જો બાળકો હોય તો તેમના માટે પણ સુંદર રમતનાં સાધનો રાખવામાં આવેલ છે. જેથી આવનાર બાળકો પણ અહીં આ સ્થળની પુરેપુરી મજા માણી શકે છે.

         કેંટીન
              
                દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પ સાઇટમાં બનાવવામાં આવેલ વિશ્રામ તથા કેંટીન માટેનું સ્થળ પણ આકર્ષક છે. જ્યાં સહેલાણીઓ ચા-નાસ્તો તથા વિશ્રામ કરી શકે છે. 

વિવિધ સ્ટેચ્યુ

            દેવઘાટ ઇકો ટૂરીઝમ કેમ્પ સાઇટનાં વિસ્તારમાં બનાવવામાં આવેલ વિવિધ સ્ટેચ્યુઓ નયનરમ્ય છે. જેમાં આ કેમ્પમાં આવવા આવકારતી બાળકીની પ્રતિકૃતિ, માથે ટપલો મુકી ઉભેલી સ્ત્રીની પ્રતિકૃતિ, હળ ચલાવતા ખેડૂતની પ્રતિકૃતી, હરણ-દિપડો જેવા વન્ય પ્રાણીઓની સ્ટેચ્યુઓ જેવા વિવિધ આકર્ષક સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવેલ છે.

           છેલ્લે ફક્ત એટલું જ કહેવુ રહ્યું કે, દેવઘાટને ઇકો ટૂરીઝમ તરીકે વિકસાવવા ગુજરાત સરકારશ્રી તરફથી થયેલ પ્રયત્નને સાર્થક બનાવવા અહીં મુલાકાત લો અને પ્રકૃતીની મજા માણો. અને જો આ પોસ્ટ આપને પંસદ આવે તથા ઉપયોગી બને તો મિત્રોવર્ગમાં શેર કરો અને કોમેંટ કરી આપના પ્રતિભાવો જણાવો જેથી ઉપરોક્ત પોસ્ટમાં સુધારા સાથે વધુ સારી રીતે પસ્તુત કરી શકાય.

           આપ સૌનો આભાર...........! જય જય ગરવી ગુજરાત............! જય હિંદ......!

Reactions

Post a Comment

1 Comments